શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું સાહિત્ય અને ગ્રંથરચના
May 11, 2026
શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિભક્તિમાર્ગના સિદ્ધાંતોના પ્રસાર માટે અનેક દિવ્ય ગ્રંથોની રચના કરી હતી. તેમના ગ્રંથો વૈદિક તત્ત્વજ્ઞાન, શ્રીકૃષ્ણ ભક્તિ, સેવા અને આત્મસમર્પણના ગૂઢ રહસ્યો સમજાવે છે.
મુખ્ય ગ્રંથો
૧. ગાયત્રી ભાષ્ય
શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્ર પર સંક્ષિપ્ત “ગાયત્રી ભાષ્ય” રચ્યું. તેમણે સમજાવ્યું કે ગાયત્રી વેદરૂપ વૃક્ષનું બીજ છે અને શ્રીમદ્ ભાગવત તેનું ફળ છે.
૨. પૂર્વમીમાંસા કારિકા
આ ગ્રંથમાં વૈદિક કર્મકાંડ અને ધર્મના સિદ્ધાંતોનું વિશ્લેષણ છે. શ્રી વલ્લભાચાર્યજીના મત અનુસાર વૈદિક અને લૌકિક – બંને માર્ગ નિત્ય છે, પરંતુ વૈદિક માર્ગ આત્માને ધીમે ધીમે ભગવાન તરફ લઈ જાય છે.
૩. તત્ત્વાર્થદીપ નિબંધ
આ ગ્રંથ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે:
શાસ્ત્રાર્થ પ્રકરણ
સર્વનિર્ણય પ્રકરણ
ભાગવતાર્થ પ્રકરણ
શાસ્ત્રાર્થ પ્રકરણ
આમાં શ્રીમદ્ ગીતા અને ભગવદ્ વચનોના આધાર પર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપિત કરવામાં આવ્યો છે.
સર્વનિર્ણય પ્રકરણ
બ્રહ્મ, જીવ, જગત, ભક્તિ, કર્મ અને જ્ઞાન જેવા તત્ત્વોનો વૈદિક આધારથી નિશ્ચય કરવામાં આવ્યો છે.
ભાગવતાર્થ પ્રકરણ
શ્રીમદ્ ભાગવતના ગૂઢ અર્થોનું વિશ્લેષણ છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતના સાત પ્રકારના અર્થ દર્શાવ્યા:
શાસ્ત્રાર્થ
સ્કંધાર્થ
અધ્યાયાર્થ
પ્રકરણાર્થ
શ્લોકાર્થ
શબ્દાર્થ
અક્ષરાર્થ
૪. સુબોધિની ટીકા
શ્રીમદ્ ભાગવત પર લખાયેલ આ મહાન ટીકા શ્રી વલ્લભાચાર્યજીના ગ્રંથોમાં સર્વોપરી માનવામાં આવે છે. તેમાં ભાગવતના ગૂઢ તત્ત્વો અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું વિસ્તૃત નિરૂપણ છે.
૫. પત્રાવલંબન
આ ૩૯ કારિકાઓનો લઘુ ગ્રંથ છે, જેમાં તેમણે વેદ અને વેદાંતનો સાર બ્રહ્મવાદમાં સમાયેલો હોવાનું જાહેર કર્યું.
૬. બ્રહ્મસૂત્ર અણુભાષ્ય
આ ગ્રંથ દ્વારા તેમણે વ્યાસજીના બ્રહ્મસૂત્રો પર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું તત્ત્વચિંતનાત્મક ભાષ્ય આપ્યું.
શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગના મૂળ સિદ્ધાંતો સમજાવવા માટે ૧૬ નાના ગ્રંથો રચ્યા, જેને “ષોડશ ગ્રંથ” કહેવાય છે.
૧. શ્રી યમુનાષ્ટકમ્
શ્રી યમુનાજીની મહિમા અને તેમની કૃપાથી ભક્તને મળતી ભગવદ્ ભક્તિનું વર્ણન.
૨. બાલબોધ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગોનો સરળ પરિચય.
૩. સિદ્ધાંત મુક્તાવલી
ભગવાન શ્રીકૃષ્ણની સેવા જ જીવનનું પરમ કર્તવ્ય છે તે સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે.
૪. પુષ્ટિ-પ્રવાહ-મર્યાદા ભેદ
પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા માર્ગોના ભેદ તથા જીવોનાં સ્વરૂપનું વર્ણન.
૫. સિદ્ધાંત રહસ્ય
“બ્રહ્મસંબંધ” દ્વારા જીવના દોષોની નિવૃતિ થાય છે અને દરેક વસ્તુ ભગવાનને સમર્પિત કરીને પ્રસાદરૂપે સ્વીકારવી જોઈએ તે ગૂઢ તત્ત્વ.
૬. નવરત્ન
સમર્પિત ભક્તને ચિંતા છોડીને “શ્રીકૃષ્ણઃ શરણં મમ”ના આશ્રયમાં જીવવાનું ઉપદેશ.
૭. અંતઃકરણ પ્રબોધ
જીવ ભગવાનનો સેવક છે અને સર્વસ્વ સમર્પિત કરીને નિશ્ચિંત રહેવું જોઈએ.
૮. વિવેક-ધૈર્યાશ્રય નિરૂપણમ્
ભગવદ્ સેવામાં વિવેક, ધૈર્ય અને શ્રીકૃષ્ણના આશ્રયનું મહત્ત્વ.
૯. કૃષ્ણાશ્રય સ્તોત્રમ્
કલિયુગમાં શ્રીકૃષ્ણ જ એકમાત્ર આશ્રય છે તે તત્ત્વ.
૧૦. ચતુઃશ્લોકી
ચારેય પુરુષાર્થો શ્રીકૃષ્ણ સાથે જ સંકળાયેલા છે તે સમજાવતું ગ્રંથ.
૧૧. ભક્તિવર્ધિની
શ્રવણ, કીર્તન અને ત્યાગથી ભગવદ્ પ્રેમ કેવી રીતે વધે છે તેનું નિરૂપણ.
૧૨. જલભેદ
ભગવદ્ ગુણોનો પ્રભાવ વક્તાના આધારે બદલાય છે, તેથી ઉત્તમ ભગવદીય વક્તાઓ પાસેથી જ કથા સાંભળવી.
૧૩. પંચપદ્યાની
ભક્તોના વિવિધ સ્તરો અને શ્રોતાઓના ભેદનું વર્ણન.
૧૪. સંન્યાસ નિર્ણય
ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવદ્ સેવા કરવી શ્રેષ્ઠ છે તે ઉપદેશ.
૧૫. નિરોધલક્ષણમ્
ભગવદ્ સેવા અને ભગવદ્ કથા દ્વારા પ્રપંચ વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ પ્રાપ્ત થાય છે.
૧૬. સેવાફલમ્
ભગવદ્ સેવા દ્વારા ભક્તને મળતા અલૌકિક અનુભવ, સાયુજ્ય અને ભગવદ્ધામ પ્રાપ્તિનું વર્ણન.
અન્ય પ્રસિદ્ધ ગ્રંથો અને સ્તોત્રો
શ્રી મહાપ્રભુજીએ અન્ય અનેક ગ્રંથો અને સ્તોત્રોની રચના પણ કરી:
પંચશ્લોકી
શિક્ષાશ્લોક
ત્રિવિધ નામાવલી
ભગવત્પીઠિકા
મધુરાષ્ટક
પરિવૃઢાષ્ટક
ગિરિરાજધાર્યાષ્ટક
શ્રી મહાપ્રભુજીના સમગ્ર સાહિત્યનો મૂળ સંદેશ એ છે કે પુષ્ટિજીવ માટે પોતાના ઘરમાં રહી શ્રીકૃષ્ણની પ્રેમભરી સેવા કરવી, ભગવદ્ કથા સાંભળવી અને પોતાના તન-મન-ધનને ભગવાનની સેવામાં અર્પણ કરવું – એ જ જીવનનું પરમ કર્તવ્ય છે.
