Blog/શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી

શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી

શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પ્રણેતા અને પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નું પ્રાકટ્ય વૈશાખ વદ એકાદશી, વિક્રમ સંવત ૧૫૩૫ (ઈ.સ. ૧૪૭૮) ના દિવસે થયું હતું. તેમના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટ અને માતા ઇલ્લમ્માગારૂ હતા. આ પરિવાર મૂળ આંધ્રપ્રદેશના ખમ્મમ નજીક આવેલા કાંકરવાડ ગામનો હતો. તેઓ તૈલંગ બ્રાહ્મણ હતા અને કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખા તથા ભારદ્વાજ ગોત્રમાં આવતાં હતા.

તેમના વંશમાં અનેક સોમયજ્ઞો થયા હતા. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટથી શરૂ થયેલી પરંપરામાં કુલ એકસો સોમયજ્ઞ પૂર્ણ થયા હતા. એવી દિવ્ય વાણી હતી કે જ્યારે આ એકસો સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે ભગવાનનો અવતાર આ વંશમાં પ્રગટ થશે. આથી શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય ભગવાનના અવતારરૂપે માનવામાં આવે છે.

ચંપારણ્યમાં દિવ્ય પ્રાકટ્ય

શ્રી લક્ષ્મણ ભટ્ટ તીર્થયાત્રા કરતા કાશી આવ્યા અને ત્યાં નિવાસ કર્યો. તે સમયે કાશી પર યવન આક્રમણની ભયજનક અફવા ફેલાઈ. તેથી તેઓ પોતાની ગર્ભવતી પત્ની સાથે કાશી છોડીને નીકળી પડ્યા. લાંબી અને કષ્ટદાયક યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના રાયપુર નજીક આવેલા ચંપારણ્યમાં શમી વૃક્ષ નીચે ઇલ્લમ્માગારૂએ સાતમા મહિનામાં પ્રસવ કર્યો.

નવજાત શિશુમાં કોઈ હલનચલન ન દેખાતા તેને મૃત સમજી પાંદડામાં લપેટીને વૃક્ષના કોઠામાં મૂકી દંપતી આગળ નીકળી ગયું. પરંતુ રાત્રે બંનેને સ્વપ્નમાં જાણ થઈ કે આ તો ભગવાનનું દિવ્ય પ્રાકટ્ય છે. તેઓ તરત પાછા ચંપારણ્ય આવ્યા. ત્યાં તેમણે જોયું કે બાળકની આસપાસ અગ્નિનો તેજસ્વી ઘેરો હતો. માતા ઇલ્લમ્માગારૂએ નિર્ભયતાથી બાળકને ઉઠાવી હૃદયથી લગાવ્યો.

પછી પરિવાર ફરી કાશી પરત ફર્યો અને બાળકનું નામ “વલ્લભ” રાખવામાં આવ્યું.

અદભુત વિદ્યાપ્રતિભા

પાંચ વર્ષની વયે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. નાની ઉંમરમાં જ તેમણે વેદ-શાસ્ત્રોમાં અદભુત પ્રાવિણ્ય પ્રાપ્ત કર્યું. તેમની અલૌકિક બુદ્ધિ જોઈ લોકો તેમને “બાલ સરસ્વતી” કહેવા લાગ્યા.

જગન્નાથ પુરીમાં વિદ્વાનોની સભામાં ચાર પ્રશ્નો ચર્ચાઈ રહ્યા હતા:

મુખ્ય શાસ્ત્ર કયું?

મુખ્ય કર્મ શું?

મુખ્ય મંત્ર કયો?

મુખ્ય દેવ કોણ?

બાલ વલ્લભાચાર્યજીએ શાસ્ત્રસંગત ઉત્તર આપ્યો. ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજીએ તેમની વાતની પુષ્ટિ આ શ્લોક દ્વારા કરી:

“એકં શાસ્ત્રં દેવકીપુત્ર ગીતા, એકો દેવો દેવકીપુત્ર એવ।

મંત્રોऽપ્યેકસ્તસ્ય નામાનિ યાનિ, કર્માપ્યેકં તસ્ય દેવસ્ય સેવા॥”

અર્થાત્:

શ્રીમદ્ ભગવદ્ ગીતા જ મુખ્ય શાસ્ત્ર છે,

દેવકીનંદન શ્રીકૃષ્ણ જ પરમ દેવ છે,

તેમના નામ જ મંત્ર છે,

અને તેમની સેવા જ પરમ ધર્મ છે।

વિજયનગરમાં શાસ્ત્રવિજય

વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાયે મહાસભા યોજી હતી જેમાં વેદ, ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રનો મત દ્વૈત છે કે અદ્વૈત તે ચર્ચાઈ રહ્યું હતું.

શ્રી વલ્લભાચાર્યજીએ “શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ” સિદ્ધ કર્યો અને માયાવાદનું ખંડન કર્યું. તેમની વિજયથી પ્રસન્ન થઈ રાજાએ તેમને “અખંડભૂમંડલાચાર્ય” અને “જગદગુરુ”ની ઉપાધિ આપી તથા કનકાભિષેક કર્યો. પરંતુ તેમણે સોનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તે દાનમાં આપી દીધું. માત્ર સાત સોનાની મુદ્રા સ્વીકારી, જેના નુપુર બનાવી ઠાકોરજીને અર્પણ કર્યા.

ભારતભરની ત્રણ યાત્રાઓ

શ્રી મહાપ્રભુજીએ નંગા પગે સમગ્ર ભારતની ત્રણ પરિક્રમા કરી અને પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. જ્યાં જ્યાં તેમણે શ્રીમદ્ ભાગવતના પાઠ કર્યા તે સ્થળો આજે “૮૪ બેઠકો” તરીકે પ્રસિદ્ધ છે.

પુષ્ટિમાર્ગ અને બ્રહ્મસંબંધ

પંઢરપુરમાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીએ તેમને ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની આજ્ઞા આપી. ત્યારબાદ તેમણે મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યો.

ગોકુલમાં ગોવિંદઘાટ પર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ભગવાન શ્રી ગોવર્ધનધરે તેમને આજ્ઞા કરી કે “બ્રહ્મસંબંધ” દ્વારા જીવના તમામ દોષો દૂર થશે. બીજા દિવસે દામોદરદાસ હરિસાણીજીને પ્રથમ બ્રહ્મસંબંધ આપ્યો. આથી પુષ્ટિમાર્ગમાં દીક્ષા પરંપરાનો આરંભ થયો.

શ્રીનાથજી સાથે દિવ્ય મિલન

આણ્યોર ગામે પહોંચીને તેમણે શ્રી ગોવર્ધનધર દેવદમન શ્રીનાથજીના દર્શન કર્યા. ભગવાન સ્વયં કંદરામાંથી બહાર આવી પોતાના પ્રિય ભક્તને મળવા પધાર્યા. બંનેનો અલૌકિક આલિંગનમય મિલન થયો.

શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સેવા પદ્ધતિ સ્થાપિત કરી:

રામદાસ ચૌહાણને સેવા સોંપી,

સદ્દૂ પાંડે અને વ્રજવાસીઓને સામગ્રી વ્યવસ્થા સોંપી,

શ્રીનાથજીને ધોતી, પાઘ, ચંદ્રિકા અને ગુંજામાળાનો શ્રૃંગાર કરાવ્યો,

બેજડની રોટલી અને ટેંટીના શાકનો ભોગ ધરાવ્યો।

પછી તેમણે શ્રીનાથજી માટે નાનું મંદિર બનાવડાવ્યું. ત્યારબાદ પૂર્ણમલ ખત્રી દ્વારા વિશાળ મંદિરનું નિર્માણ થયું.

અંતિમ લીલા

શ્રી વલ્લભાચાર્યજીએ જીવનના અંતિમ સમયમાં સંન્યાસ સ્વીકાર્યો અને કાશીના હનુમાનઘાટ પર નિવાસ કર્યો. તેમણે પોતાના પુત્રોને પ્રસિદ્ધ “શિક્ષા શ્લોક” દ્વારા ઉપદેશ આપ્યો.

વિક્રમ સંવત ૧૫૮૭ આષાઢ સુદ ત્રીજના દિવસે તેમણે ગંગાજીના જળમાં સમાધિ લીધી. થોડા સમય પછી તેમનું દિવ્ય સ્વરૂપ અદૃશ્ય થયું અને તેજપુંજ આકાશમાં વિલીન થઈ ગયો.

પુષ્ટિમાર્ગમાં આ દિવ્ય પ્રસંગ “આસુર વ્યામોહ લીલા” તરીકે ઓળખાય છે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી - section 1
શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી